ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૦૧ની વસ્તી ગણતરીના અહેવાલ મુજબ વિકલાંગોની સંખ્યા આશરે ૧૦લાખ છે. જેમાં પ્રજ્ઞાચક્ષુ, શારીરિક દિવ્યાંગ, બહેરા-મૂંગા, મંદબુદ્ધિના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આટલી વિશાળ જનસંખ્યાને સમાજના બાકીના વર્ગો સાથે એકરૂપ કરવા માટે અને સરકાર તથા સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી દિવ્યાંગજનોને માટે થતી યોજનાઓ કે સુવિધાઓની માહિતી ગ્રામ્ય વિસ્તારમાં પહોચાડવાના હેતુથી વર્ષ ૨૦૦૦માં આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિને ‘હેન્ડીકેપ ન્યુઝ’ નામનું પાક્ષિક ભરતભાઈ પટેલ દ્વારા શરુ કરવામાં આવ્યું. જે હાલમાં ‘વિકલાંગ મિત્ર’ તરીકે ઓળખાય છે. આવા દિવ્યાંગ સમાજના મુખપત્ર ‘વિકલાંગ મિત્ર’માં પ્રસિદ્ધ કરવામાં આવતી બાબતોનો ટૂંક પરિચય નીચે મુજબ છે.

  1. દિવ્યાંગજનનો પરિચય: વ્યક્તિ દિવ્યાંગ હોવા છતાં દિવ્યાંગતાનો સામનો કરી વિશિષ્ટ કાર્ય કરતી હોય તેવી વ્યક્તિનો પરિચય કે જે અન્ય દિવ્યાંગને પોતાનું જીવન વધુ સારી રીતે વ્યતિત કરવા પ્રેરણા આપે છે.
  2. પ્રેરક લેખ: દિવ્યાંગજનને પ્રોત્સાહન મળી રહે તેવા લેખ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
  3. દિવ્યાંગજનને મળતા લાભ: કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તથા અન્ય સંસ્થા દ્વારા દિવ્યાંગને મળતા લાભ બાબતેની માહિતી આ માસિકમાં પ્રસ્તુત કરવામાં આવે છે.

તંત્રી વિષે

આ માસિક સમાચારપત્રને શરુ કરનાર શ્રી ભરતભાઈ પટેલનો જન્મ મહેસાણા જીલ્લામાં વર્ષ ૧૯૭૧માં થયો. તેઓને પોલિયોએ બાળપણથી દિવ્યાંગ બનાવ્યા. તેમનો શરૂઆતનો અભ્યાસ તેમના પોતાના ગામની પ્રાથમિક શાળામાં શરુ થયો. ત્યારબાદ તેઓ ગાંધીનગરના ઉવારસદમાં આવેલ સદવિચાર પરિવાર વિકલાંગ પુનર્વાસ કેન્દ્રની શાળામાં ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. અહી  ઈતરપ્રવૃત્તિ, સ્પર્ધામાં  ભાગ લઇ કારકિર્દીનો વિકાસ કર્યો.  ટેકનીકલ પરીક્ષા બોર્ડ તરફથી કરાવતા પ્રિન્ટીંગ તથા બુકબાઈન્ડીંગ જેવા કોર્સ કરી તેઓએ પારંગતતા મેળવી.

આગળ અભ્યાસ કરવાની ઘણી ઇચ્છા હોવા છતાં ઘરની નબળી આર્થિક પરિસ્થિતિને અવગણી શકાય તેમ નહતું. માઢી ગામમાં આવેલ સર્વોદય આશ્રમ અંબર ચરખા તથા સ્ટેનો – ટાઇપીસ્ટનો કોર્સ કર્યો. હાલમાં તેઓ ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે.

તંત્રી ભારતભાઈ પટેલના આવા અનોખા કાર્ય બદલ રોટરી ક્લબ ઓફ વિજાપુર, ગ્લોબલ ફાઉંડેશન વિજાપુર,  માનવજ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈ અનેક સંસ્થાઓ  દ્વારા તેઓને સન્માનિત કરવામાં આવેલા છે. વર્ષ ૨૦૧૬માં અમદાવાદ સ્થિત આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તેમને રાજ્યપાલશ્રી ઓ. પી. કોહલીના હસ્તે ધરતી રત્ન એવોર્ડથી નવાજ્યાં. ઈબ્રાહીમભાઈ કલાણીયા ફાઉંડેશન, મહુવા દ્વારા પુ. મોરારીબાપુના હસ્તે ભાવનગર ખાતે તેઓનું જાહેર સન્માન કરવામાં આવ્યુ.